બુધવાર, 10 ઑક્ટોબર, 2007

દર્દ ... જીવનની અધૂરી કવિતા....

હા,સૌ કોઈની પાસે હોય છે પોત-પોતાનું દર્દ,
હા,સૌનું પોતીકું હોય છે,પોપચાં નીતારતું દર્દ.

ક્યાંક ગહેરું, તો ક્યાંક છીછરું,
ક્યાંક વધારે, તો ક્યાંક આછેરું.
ક્યાંક તમારું, તો ક્યાંક મારું,
વહાલું મને, તો તમને ક્યાં દવલું?

છલકી-છલકીને પછી અનરાધાર વરસીને ખાલી થઈ જતી વાદળીનું દર્દ,
કે એક વાર તૃપ્ત થઈને ફરી-ફરી તરસતી રહેતી ધરતીનું કોરું દર્દ?

'મુશ્કિલ છું-એટલે કોઈ મુસાફર નથી', કહેતી મંજીલની એકલતાનું દર્દ,
કે 'પથ ભૂલ્યો', કહી ડગે-ડગે લડખડાતા એકલ-દોકલ મુસાફરનું દર્દ!

'મને અજવાળું ઓછું પડે-સુરજ ને ચાંદ હોવાં છતાં',એમ કહે આભનું દર્દ,
'મને ખારાશ નડે - વિશાળતા ને મોતી હોવાં છતાં',આમ કહે સાગરનું દર્દ!

ચંદ્રને દિવસના ઊગવાનું દર્દ અને સુરજ ને સાંજના આથમવાનું દર્દ,
ક્ષિતિજ પર મિલનના આભાસ પછી પણ ધરતીને આકાશથી જુદાઈનું દર્દ!

ક્યાંક ભૂખથી ટળવળતી બેબસ આંખોમાં તરવરતું ભૂખ્યું-ગરીબડું દર્દ,
ને અડધી રાતે પંક્તિને લખવી ને આખરી પેનની શાહી ખલાસ થયાનું દર્દ!

પ્રિયતમે મળવા આપેલ વાયદાનું રોજે-રોજ ખલન થયાનું દર્દીલું દર્દ!
ને ક્યાંક દુલ્હનનું લગ્નવેળાએ જ પીળાં પાનેતરનાં ફાટવાનું ગભરુ દર્દ!

પ્રેમનો અમૃત ઘૂંટ હોઠો સુધી આવીને છેલ્લે છીનવાઈ ગયાંનું ઝેરીલું દર્દ,
ને 'શમા'નું પરવાનાના મિલનની આશમાં જ આખરે હોલવાઈ જવાનું સળગતું દર્દ!

દીપ્તિ પટેલ 'શમા', ૨ ઓક્ટોબર, ૨૦૦૭