લેબલ મારી કવિતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મારી કવિતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 9 ઑક્ટોબર, 2012

..........તું આજે મદહોશ લાગે છે,

મસ્ત આંખોમાં મદિરા ભરી હોય, એમ ઓર તું આજે મદહોશ લાગે છે,
વહેલા મોડા જાન લઇ લઈશ કે, એમ પણ મને ક્યાં હોશ લાગે છે ?
આજે વહાલ બધું વરસાવી દેશે, તોફાની એવું આ વાદળ લાગે છે,
મને મર્યાદા લાઘવા મજબુર કરી દેશે, એવો આ ઉડતો આંચલ લાગે છે !
ચચ્ચાર માસ ના ચોમાસા પછી, ચમક્યો આજે આ સજન લાગે છે,
સુરજ ને નાં અસ્ત થવા દેશે, એવી આ સાંજની તડપ લાગે છે !
મોસમને શું પૂછવું હવે, કે બેવફા એ અનિલ લાગે છે,
સમંદર પણ ક્મ પડી જશે, એટલી તો અહી અગન લાગે છે !
કેટલા સમય પછી, ઊર્મિઓનો સાગર એવો તો ઉમટ્યો છે,
કલમથી કાગળ માં ઉતારવા માટે, 'શમા' સમાન મેં ઉમેટયો છે!
દીપ્તિ પટેલ, 'શમા', કેનેડા 
૨૧ જુન, ૨૦૧૨ - ૧૨.૦૦ રાત્રે

....જીદ ના કર


જેવું છે તેવું જ બતાવી દેશે દંભ વગર,
અરીસાને ચહેરો બતાવવાની જીદ ના કર.

સપનું ક્યારેય આવે નહિ નીંદ વગર,
આખી જિંદગી જાગવાની જીદ ના કર.

પાયો જ જેનો રચાયો છે સિમેન્ટ વગર,
આવી ઈમારત ને ચણવાની જીદ ના કર.

કંઈ સદીઓથી રઝળી રહ્યો છે લાગણી વગર,
જીવ, તેને ઝાકળથી ભીન્જવવાની જીદ ના કર.

મુહોબ્બત આ મળી ગઈ છે માંગણી વગર,
આ ઈશ્વરી સંકેતને ના સમજવાની જીદ ના કર.

કંઈ કેટલીયે 'શમા' બુઝાઈ ગઈ પરવાના વગર,
જે પરવાનો મળ્યો, તેને જલાવવાની જીદ ના કર.

દીપ્તિ પટેલ, 'શમા', કેનેડા
૦૧-૦૭-૧૨, ૧.૦૯ સવારે 

........ઝંખ્યા યુગોથી તમને,

સદીઓથી ચાહે ધરતી મેઘને, નદી દરિયાને, રેતી શંખલાને ;
યુગોની તરસ-યુગોનો સંગાથ, પહેલી નજરનો આ પ્યાર નથી.
આમ પણ તમારી, તેમ પણ તમારી, ચો'તરફ યાદો ઘેરી વળે,
છે પ્રણય જેવું જરૂર કંઈક, ફક્ત લાગણીની તો આ અસર નથી.
કંઈ તમન્નાઓથી, કંઈ આરઝુઓથી, ઝંખ્યા યુગોથી તમને,
પહેલી વાર કળીઓ ખીલી હોય, એવી આ 'બહાર' નથી.
હા, ચુભે છે પળે-પળ; ક્ષણે-ક્ષણ દુરી તમારી નશ્તર બનીને,
પણ છે મરહમ ક્યાંય જરૂર, હવે નડે એવું આ 'અંતર' નથી.
હોય રૂપાળી ભલે, ચાંદનીનું અસ્તિત્વ ચાંદ વિના હોય ખરું?
ચાલ કહી દઉં તને હવે, તારા વિના કેમ જીવું, ખબર નથી.
સતત આસ-પાસ, સતત વિચારોમાં, ક્યારેક એકલી તો રહેવા દો
શ્વાસમાં પણ તમને શ્વસીયે, હવે તો પોતાનો 'ધબકાર' પણ નથી !!!
દીપ્તિ પટેલ 'શમા' કેનેડા
૩૦ ઓગષ્ટ, ૨૦૧૨ - ૨.૩૦ બપોરે 

બુધવાર, 4 જુલાઈ, 2012

.......... હોવો જોઈએ!

માર્ગ-અડચણ-મંઝિલ; ક્યારે પહોંચીશું, શું ખબર?

હમસફર બસ, મનગમતો હોવો જોઈએ !



રણ - તરસ - પ્યાસ; ક્યારેક તો બદલાશે તકદીર,

મૄગજળનો બસ, વાયદો પાક્કો હોવો જોઈએ!



ભલેને વરસાવતો એ અગન; હો' સુરજને અહંકાર,

ગરમાળાનો બસ, રંગ પીળો હોવો જોઈએ!



ઝંખના-સ્વપ્ન-હકીકતઃ જે મળે, કરીશ સ્વીકાર,

મારી અંદર બસ, તું એકાકાર હોવો જોઈએ!



લોકો-સમાજ-દુનિયાઃ મારી શકીશ હું ઠોકર,

તારો ને મારો બસ, પ્યાર એવો હોવો જોઈએ!



"શમા" ભલે બુઝાયા કરે, હું જલીશ વારંવાર,

પરવાનાનો બસ, વિશ્વાસ અડગ હોવો જોઈએ !!!



દીપ્તિ પટેલ "શમા",

કેનેડા, ૦૪ જુલાઈ, ૨૦૧૨ - બપોરે ૧.૧૫

શુક્રવાર, 5 ડિસેમ્બર, 2008

સપનું મારું........

હતું રંગીન કયારેક જે, હવે શ્વેત -શ્યામ બની ગયું,
સપનું મારું, આ રાહ પર, એકલ મુસાફર બની ગયું !

હતું ગઝલ કયારેક જે, હવે શબ્દોનુ મોહતાજ બની ગયું,
સપનું મારું, આ કાગળ પર, ચાર અક્ષર બની ગયું!

હતું ફસલ કયારેક જે, હવે ખેતરનું નિંદામણ બની ગયું,
સપનું મારું, આ વેલ પર, વાંઝિયો વિચાર બની ગયું!

હતું વ્હેણ કયારેક જે, હવે પથરાળ મેદાન બની ગયું,
સપનું મારું, આ રેત પર, કોઇક કંકર બની ગયું!

હતું મારું કયારેક જે, હવે અન્યની મિલકત બની ગયું,
સપનું મારું, આ હકીકત પર, કેટલું લાચાર બની ગયું!

હતું બાજી કયારેક જે, હવે કૌરવોના જુગટાનું મોહરૂં બની ગયું,
સપનું મારું, આ દ્રૌપદી પર થતો અત્યાચાર બની ગયું!

બુધવાર, 14 મે, 2008

....ચાહતી રહી...

તમે મારાં છો કે નહીં, જાણ્યાં વિના તમને ચાહતી રહી,
પ્યારની એક કાલ્પનિક દુનિયા, બે પલકોમાં વસાવતી રહી.

ક્યારેક યાદ હદથી વધી જાય, આંસુઓમાં સરકાવતી રહી,
તમે પણ કરતાં હશો વિચારી, પલ્લુ પકડી મલકાતી રહી.

ભીની આંખો, કોરું હૈયું લઈ, સ્નેહનો ધોધ વરસાવતી રહી,
તમે પ્યાસ ધર્યા કરી, હું સાકી બની, શબ્દોનાં જામ પિવડાવતી રહી.

કોરાં રણને ટીપું-ટીપું પાઈ, ઝાકળ ખુદ તરસતી રહી,
જાતને નિચોવતી હું; સ્પોંજ બની, પ્યાર માટે તરફડતી રહી.

આટલું સુખ, આટલી ખુશી, તો શું મેળવવા ટળવળતી રહી?
કાચાં-પાકાં સપનાનાં પાપડ સાથે, પથારીમાં સળવળતી રહી.

તડકો નિર્લજ્જ ! રણ તરસ્યું રહયું, પ્યાસ તરફડતી રહી,
'ક્યારેક કોઈ કરજ ચૂકવવાનું બાકી રહી જતું હશે?', વિચારતી રહી.

ક્યારેક વિખરાતી, ક્યારેક સમેટાતી, હું ખુદને સાચવતી રહી,
ક્યારેક તને ખોવું, ક્યારેક તને પામું, આમ જ ખુદને જીવાડતી રહી.

દીપ્તિ પટેલ 'શમા', ૭ જાન્યુઆરી, ૨૦૦૮

તરસ્યાં ઊંટ પર બેસી.....

તરસ્યાં ઊંટ પર બેસી, મેં મૃગજળમાં હૈયું ઝબોળ્યું હતું,
ભીની આંખોમાં, જો, મેં કેટલું કોરું સપનું જોયું હતું !

એક એવી ઝંખના, આ હૈયાએ મનમાં ઉગાડી હતી,
કૂણી હતી; પછી ઉછરી જ્યારે,વેદનાએ દઝાડી હતી !

દૂર ખીલતું ગુલાબ જોઈ, મેં કંટક તરફ પગલું ઊપાડ્યું,
ઔષધ-મલમ છોડી, મેં જુના ગુમડાને ખંજવાળ્યું!

ખીલ્યાં ચમેલી-જુઈ, મેં તો કાંટામાં દામન ઉલઝાવ્યું,
ગઈ લેવા કમળ તળાવે, લો આ કળણ હાથમાં આવ્યું !

આંખોનાં નિભાડાનો દોષ કે આંસુની ઉષ્મા કમ હતી,
સપનાં કાચાં રહયાં, ત્યાં પાકટતા જરુર કમ હતી !

શું છોડી દઉં, શું પકડી રાખું, ડૂબું કે તરી જાઉં,
કોઈ કહેઃ 'ક્યાં પરમ શાંતિ છે?', હું ત્યાં સરી જાઉં.

દીપ્તિ પટેલ 'શમા', ૨૯ એપ્રિલ ૨૦૦૮

મંગળવાર, 4 માર્ચ, 2008

જીવતરની કડી...

તારી તસવીરને મારા દિલમાં મઢી હતી,
ત્યારે ખોટું-ખોટું હું મુજને વઢી હતી.

ખરું પૂછો તો-

જ્યારે હું ખરા પ્રેમમાં પડી હતી,
ત્યારે જ હું મુજ 'હું' ને જડી હતી.

દુનિયાની કોઈ ફિકર, ના પડી હતી,
બધું સરળ્ જાણે કોઈ ગાંઠ ના નડી હતી.

ભલે ધોમધખતો વૈશાખી વાયરો વાય,
મારે મન તો બસ સાવનની ઝડી હતી.

આંખોની આસપાસ આવળ-બાવળ રોપાય,
મારે તો કાંટા ય ગુલાબની છડી હતી.

મૃત્યુ, તું ગમે ત્યારે આવ,હવે ના રોવાય,
મારે તો 'એ'નું સ્મિત,જીવતરની કડી હતી!

કવિ કહે- ના છંદ,ના અલંકાર,આ તે શું કહેવાય?
મારે માટે તો આ પ્રેમ-કવિતાની અંતિમ કડી હતી.

દીપ્તિ પટેલ 'શમા', ૨૯ ડિસેમ્બર ૨૦૦૭.

શનિવાર, 9 ફેબ્રુઆરી, 2008

...શું વાત કરો છો?

...શું વાત કરો છો?

પ્યારમાં બાજી હારવાની શું વાત કરો છો?
અમે તો જિંદગીને, ખુદને તક હારી ગયાં છીએ.

રણ-રેતીને ખીલવવાની શું વાત કરો છો?
અમે તો કાળ-મીંઢ પથ્થરોને મહેંકાવી ગયાં છીએ.

કંકુને સેંથીમાં પૂરવાની શું વાત કરો છો?
અમે તો ચુંબનથી સેંથીને સજાવી ગયાં છીએ.

ચાહતનું બટકું ચાખવાની શું વાત કરો છો?
અમે તો પ્યારનો હર એક ઘૂંટ ઘટઘટાવી ગયાં છીએ.

એક વાદળે સુરજ ઢાંકવાની શું વાત કરો છો?
અમે તો આખા આસમાનને અજવાળી ગયાં છીએ.

---------

આટલી ઠંડીમાં ધ્રુજવાની શું વાત કરો છો?
અમે તો આખાં 'હિમાલય'ને ગળી ગયાં છીએ!!!

દીપ્તિ પટેલ 'શમા', ૯ ફેબ્રુઆરી ૨૦૦૮.

શુક્રવાર, 28 ડિસેમ્બર, 2007

'......તો શું થઈ ગયું?

રહી ગયાં ઘણાં કંસ-શકુનિ-દુર્યોધનો બાકી અહીં,
કૃષ્ણે કર્યું એક કાલિનાગનું દમન, તો શું થઈ ગયું?

થયું ચીર-હરણ દ્રૌપદીનું, સીતાની અગ્નિ-પરીક્ષા અહીં,
હરે કોઈ નર, કોઈ નારીનું સન્માન, તો શું થઈ ગયું?

આપે ઉજાસ, હરીને તિમિર, હો દિન કે રાત અહીં,
ઉગે છે સૂર્ય-ચંદ્ર, વીંધીને ગગન, તો શું થઈ ગયું?

મળે રતનો દાનવોને,છો પીવું પડે ઝહેર, શિવને જ અહીં,
લાખ પ્રયાસો પછી પણ,આવું જ હોય સમુદ્ર-મંથન,તો શું થઈ ગયું?

દીપ્તિ પટેલ 'શમા' ૨૦ નવેમ્બર, ૨૦૦૭.

'........એક વાત હતી'

એક રાત હતી, મદહોશ હતી, એક વાત હતી.
એક ચાંદની સંગ, કંઈક તારાઓની બારાત હતી.

એક રાત હતી, ખીલતી હતી, એક વાત હતી.
મુજ જીવનના બાગમાં, કળીસમ ચાહત હતી.

એક રાત હતી, છલકાતી હતી, એક વાત હતી.
ન તમે હતા,ન હું હતી, બસ પાંગરતી પ્રીત હતી.

એક રાત હતી, સૂસવાતી હતી, એક વાત હતી.
કંઈ ન કહેવું,ચૂપચાપ સહેવું,નોખી પ્રણયની રીત હતી!

દીપ્તિ પટેલ 'શમા' ૨૭ ડિસેમ્બર, ૨૦૦૭.

ગુરુવાર, 11 ઑક્ટોબર, 2007

ઓ દરિયા…

સારું હતું કે મારાં અશ્રુઓ પણ ખારાં હતાં,
નહીં તો એટલી હતી તાદાત કે -
તું પણ મીઠો થઈ જાત…ઓ દરિયા.

મને શું ખબર કે,તું જલે છે મારી પ્રીતથી,
તું મિટાવતો જશે તારી લહેરથી,
નહીં તો રેતી પર નામ ‘એ’નું લખત નહીં…ઓ દરિયા.

સારું હતું કે તને નહોતી ખબર -
પ્રીતમને પામવા દોડી જવામાં કેવી છે ધન્યતા!
નહીં તો આવતા જનમમાં -
તું પણ નદી થઈ જાત…ઓ દરિયા.

પ્રેમમાં હંમેશા છૂટ નહીં,થોડું બંધન અનિવાર્ય છે.
સારું છે તને ય ખબર છે;માન-મર્યાદા શું છે?
નહીં તો માઝા મૂકીને -
તું પણ ધરતીને ધમરોળ કરી દેત…ઓ દરિયા.

કાશ,મને ખબર હોત કે
તને પણ પ્રિય છે મિલન - વિરહ નહીં,
ક્ષિતિજ પરના ધરતી-આકાશના મિલનનો -
તને એકલા ને જ સાક્ષી બનાવત હું…ઓ દરિયા.

દીપ્તિ પટેલ ‘શમા’, ૧૦ ઓક્ટોબર ૨૦૦૭

પણ એવું ……. ક્યાં મળે?

આ ઘર,આ ઑફિસ,આ ગાડી, ક્યારેક તો કંઈક બદલાવ મળે.
મારે તો જવું હતું ચાંદની પેલે પાર, પણ એવું વિમાન ક્યાં મળે?

આ કોયલ,આ બગીચો,આ વાડી,ક્યારેક તો નવું મધુવન મળે,
મારે તો માણવી હતી સુગંધ આરપાર, પણ એવું સુમન ક્યાં મળે?

આ ઉલફત,આ નફરત,કાયમ મને નડી, ક્યારેક તો કોઈ જુદો ભાવ મળે,
તેને બધું સોંપીને થઈ જઉં નિર્વિકાર, પણ એવો ‘ભગવાન’ ક્યાં મળે?

આ રાહ,આ દિશા,આ મંજિલે કાયમ જતી,ક્યારેક તો નવો કાફલો મળે,
મારે તો ઉડવું છે-આકાશ છે પારાવાર, પણ એવી પાંખ ક્યાં મળે?

લોલુપ નજરે જોતી,સૌંદર્યને અવગણતી, ક્યારેક તો જુદો ભાવ મળે,
વસી જવા ચાહું શમણું બની અંદર, પણ એવાં નયન ક્યાં મળે?

આ છળ,આ માયા,આ ઈર્ષા જીવને જડી, ક્યારેક તો કંઈક સદભાવ મળે,
કરું અર્પણ મન;કરું પૂજા જીવનભર, પણ એવો ઈન્સાન ક્યાં મળે?

આ મન,આ હૈયું,આ જ દિલ,ક્યારેક તો મને મારું જ જીવન મળે,
કદાચ કરી દેતી તારે નામ ‘શમા’, પણ એવી ધડકન ક્યાં મળે?

‘શમા’, ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૭