Wednesday, May 14, 2008

....ચાહતી રહી...

તમે મારાં છો કે નહીં, જાણ્યાં વિના તમને ચાહતી રહી,
પ્યારની એક કાલ્પનિક દુનિયા, બે પલકોમાં વસાવતી રહી.

ક્યારેક યાદ હદથી વધી જાય, આંસુઓમાં સરકાવતી રહી,
તમે પણ કરતાં હશો વિચારી, પલ્લુ પકડી મલકાતી રહી.

ભીની આંખો, કોરું હૈયું લઈ, સ્નેહનો ધોધ વરસાવતી રહી,
તમે પ્યાસ ધર્યા કરી, હું સાકી બની, શબ્દોનાં જામ પિવડાવતી રહી.

કોરાં રણને ટીપું-ટીપું પાઈ, ઝાકળ ખુદ તરસતી રહી,
જાતને નિચોવતી હું; સ્પોંજ બની, પ્યાર માટે તરફડતી રહી.

આટલું સુખ, આટલી ખુશી, તો શું મેળવવા ટળવળતી રહી?
કાચાં-પાકાં સપનાનાં પાપડ સાથે, પથારીમાં સળવળતી રહી.

તડકો નિર્લજ્જ ! રણ તરસ્યું રહયું, પ્યાસ તરફડતી રહી,
'ક્યારેક કોઈ કરજ ચૂકવવાનું બાકી રહી જતું હશે?', વિચારતી રહી.

ક્યારેક વિખરાતી, ક્યારેક સમેટાતી, હું ખુદને સાચવતી રહી,
ક્યારેક તને ખોવું, ક્યારેક તને પામું, આમ જ ખુદને જીવાડતી રહી.

દીપ્તિ પટેલ 'શમા', ૭ જાન્યુઆરી, ૨૦૦૮

એક પથ્થર......

એક પથ્થર છું હું...

હા, એક પથ્થર છું હું...
એક કઠણ પથ્થર છું હું...
એક કઠણ,કાળમીંઢ પથ્થર છું હું...

ના મહેંકી શકું સ્પર્શથી, ના બહેકી શકું સ્પંદનથી,
આંસું વહાવું ક્યાંથી, હસી કેમ શકું જડ વદનથી?

નથી લાગણી કે નથી કોઈ વાચા,
નથી માગણી કે નથી કોઈ આશા.

મને ઠેબું મારો, રડીશ નહીં જરીકે,
મને ભાલો મારો, મરીશ નહીં જરીકે.

નથી બનવું મૂર્તિ, નથી જોઈતી પૂજા,
બસ મને ખપે, હવે આ ધતિંગથી રજા!

દીપ્તિ પટેલ 'શમા', ૨૯ એપ્રિલ ૨૦૦૮

તરસ્યાં ઊંટ પર બેસી.....

તરસ્યાં ઊંટ પર બેસી, મેં મૃગજળમાં હૈયું ઝબોળ્યું હતું,
ભીની આંખોમાં, જો, મેં કેટલું કોરું સપનું જોયું હતું !

એક એવી ઝંખના, આ હૈયાએ મનમાં ઉગાડી હતી,
કૂણી હતી; પછી ઉછરી જ્યારે,વેદનાએ દઝાડી હતી !

દૂર ખીલતું ગુલાબ જોઈ, મેં કંટક તરફ પગલું ઊપાડ્યું,
ઔષધ-મલમ છોડી, મેં જુના ગુમડાને ખંજવાળ્યું!

ખીલ્યાં ચમેલી-જુઈ, મેં તો કાંટામાં દામન ઉલઝાવ્યું,
ગઈ લેવા કમળ તળાવે, લો આ કળણ હાથમાં આવ્યું !

આંખોનાં નિભાડાનો દોષ કે આંસુની ઉષ્મા કમ હતી,
સપનાં કાચાં રહયાં, ત્યાં પાકટતા જરુર કમ હતી !

શું છોડી દઉં, શું પકડી રાખું, ડૂબું કે તરી જાઉં,
કોઈ કહેઃ 'ક્યાં પરમ શાંતિ છે?', હું ત્યાં સરી જાઉં.

દીપ્તિ પટેલ 'શમા', ૨૯ એપ્રિલ ૨૦૦૮

Tuesday, March 4, 2008

જીવતરની કડી...

તારી તસવીરને મારા દિલમાં મઢી હતી,
ત્યારે ખોટું-ખોટું હું મુજને વઢી હતી.

ખરું પૂછો તો-

જ્યારે હું ખરા પ્રેમમાં પડી હતી,
ત્યારે જ હું મુજ 'હું' ને જડી હતી.

દુનિયાની કોઈ ફિકર, ના પડી હતી,
બધું સરળ્ જાણે કોઈ ગાંઠ ના નડી હતી.

ભલે ધોમધખતો વૈશાખી વાયરો વાય,
મારે મન તો બસ સાવનની ઝડી હતી.

આંખોની આસપાસ આવળ-બાવળ રોપાય,
મારે તો કાંટા ય ગુલાબની છડી હતી.

મૃત્યુ, તું ગમે ત્યારે આવ,હવે ના રોવાય,
મારે તો 'એ'નું સ્મિત,જીવતરની કડી હતી!

કવિ કહે- ના છંદ,ના અલંકાર,આ તે શું કહેવાય?
મારે માટે તો આ પ્રેમ-કવિતાની અંતિમ કડી હતી.

દીપ્તિ પટેલ 'શમા', ૨૯ ડિસેમ્બર ૨૦૦૭.

Saturday, February 9, 2008

...શું વાત કરો છો?

...શું વાત કરો છો?

પ્યારમાં બાજી હારવાની શું વાત કરો છો?
અમે તો જિંદગીને, ખુદને તક હારી ગયાં છીએ.

રણ-રેતીને ખીલવવાની શું વાત કરો છો?
અમે તો કાળ-મીંઢ પથ્થરોને મહેંકાવી ગયાં છીએ.

કંકુને સેંથીમાં પૂરવાની શું વાત કરો છો?
અમે તો ચુંબનથી સેંથીને સજાવી ગયાં છીએ.

ચાહતનું બટકું ચાખવાની શું વાત કરો છો?
અમે તો પ્યારનો હર એક ઘૂંટ ઘટઘટાવી ગયાં છીએ.

એક વાદળે સુરજ ઢાંકવાની શું વાત કરો છો?
અમે તો આખા આસમાનને અજવાળી ગયાં છીએ.

---------

આટલી ઠંડીમાં ધ્રુજવાની શું વાત કરો છો?
અમે તો આખાં 'હિમાલય'ને ગળી ગયાં છીએ!!!

દીપ્તિ પટેલ 'શમા', ૯ ફેબ્રુઆરી ૨૦૦૮.

Thursday, January 3, 2008

તારી પ્રીતનું પાનેતર....

આખું દિલ બાગ-બાગ બની મહેંકી રહયું છે,
એમાં એક-એક કળી કેમ કરી વીણું હું?

તારી પ્રીતનું પાનેતર તો ઓઢી લીધું છે,
હજુ અંતરમાં આ વણાઈ રહયું છે ઝીણું શું?

'શમા' , ૩ જાન્યુઆરી, ૨૦૦૮

તારી તસવીરને ...

ભગવાનની મૂર્તિને તો બહાર નથી મૂકી શક્તી હું,
આજે તારી તસવીરને એમની સાથે પૂજી છે મેં !!!

'શમા', ૩ જાન્યુઆરી ૨૦૦૮