ગુરુવાર, 11 ઑક્ટોબર, 2007

કાન્હા - તારી લીલા

કાન્હા - તારી લીલાનો ક્યાં કોઈ પાર છે?

જગ-જાહેર તો છે; તારી લીલા -

શરુ થઈ કંસના કાળા કારાવાસમાં
કે વસી વાસુદેવ-દેવકીના શ્વાસમાં.

તને છોડતાં તેમણે છોડેલાં નિશ્વાસમાં
કે તને પામનારાં જશોદા-નંદનાં આનંદમાં.

ખળ ખળ વહેતી કાળી કાલિંદીના વહેણમાં
કે તેં ચોરી-ચોરી ચોરેલાં યશોદાના માખણમાં.

તારી દિવાની;ભાન-ભૂલેલી ગોપીઓનાં મટકાંમાં
કે તારાં નામની સહિયારી;બાવરી રાધાના લટકાંમાં.

તારાં ગોપીઓનાં વસ્ત્રાહરણની સાક્ષી પૂરતાં કદંબનાં એક-એક પર્ણમાં
કે દ્રૌપદીનાં તેં પૂરેલાં ચીરની સાક્ષી પૂરતાં ઈતિહાસનાં એક-એક પન્નામાં.

માથે મોર-પિંચ્છ ને ઘેલી કરતી વાંસળી નાં સૂરમાં
કે તારાં રુપ જેવાં રુપાળાં નેણેથી નીતરતાં નેહનાં પૂરમાં.

કાલિંદીમાં દેકારો મચાવનારાં કાળી-નાગનાં દમનમાં
કે તારી પટરાણી, મદમાતી રુકમણીનાં દામનમાં.

કદંબનાં એક-એક પર્ણમાં અને વૃંદાવનનાં કણે-કણમાં,
કે તારી વ્હાલી,તારી ચહૈતી,તેં ચરાવેલી ઘેનુનાં ઘણમાં.

‘કુરુક્ષેત્ર’માં અર્જુનને દીધેલાં ‘ગીતા-બોધ’નાં અઢાર અધ્યાયમાં,
કે તેં કૌરવોને પછાડવાં રચેલાં ભૂલ-ભૂલામણાં ચક્ર-વ્યુહની કોઠા-સૂઝમાં.

યાદવોને મળેલો શ્રાપ અને રચાઈ યાદવા-સ્થળી -

ક્યાં તારું પીપળનાં વ્રૂક્ષને અઢેલીને સૂઈ જવું,
ક્યાં એક ભવ્ય ‘કૃષ્ણ યુગ’ નો અંત આવવો?

ખરે - તારું વચન યાદ આવ્યું,

જ્યારે જ્યારે ભારતમાં - જગતમાં ધર્મનો નાશ થાય છે,
સત્ય અને ધર્મની રક્ષા કાજે તારો ફરી અવતાર થાય છે!

દીપ્તિ પટેલ ‘શમા’ , ૫ સપ્ટેમ્બર ૨૦૦૭, ‘જન્માષ્ટમીનું પારણું’

ટિપ્પણીઓ નથી: