બુધવાર, 10 ઑક્ટોબર, 2007

'સંબંધ - સાચવવો કેટલો મુશ્કેલ...?'

જાણું છું,આ સુંવાળો,સરકતો સંબંધ છે;
સાચવી-સાચવીને તેને કેટલો - હું એકલી જ સાચવું?

રેશમી ધાગા જેવો એ;વારે-વારે ગાંઠ પડી જાય,
એને એકલી રાત-દિન ઊકેલવાની કોશિશ કર્યાં કરું હું!

કિમતી કાચની ફૂલદાની જેવો એ;ક્યાંક નંદવાઈ ના જાય,
એને જીવની જેમ લાખ સાચવવાની કોશિશ કર્યાં કરું હું!

કોઈ બેવફા શ્વાસ જેવો એ;ઘડી-ઘડી બંધ થાય,
એને કૃત્રિમ હવા આપી જિવાડવાની કોશિશ કર્યાં કરું હું!

જહાજમાં પડેલા બાકોરાં સમો; જાણે કો'ક દરિયો ઊમટાય,
એને એકલો પડિયાથી ઊલેચવાની કોશિશ કર્યાં કરું હું!

પાંપણે ઝૂલતાં આંસુ જેવો એ;નીચે દડકવાં જાય,
એને દિલમાં જ પરોવવાની ઠાલી કોશિશ કર્યાં કરું હું!

મારી ઝંખનાના સ્વપ્ન સમો એ;ક્યાંક ખોવાઈ ના જાય,
એને પલકોમાં જ સજાવવાની કોશિશ કર્યાં કરું હું!

છીપમાં પડેલા અણમોલ મોતી જેવો;ક્યાંક કાચો ના રહી જાય,
એને લાગણીની હુંફથી સતત પકવવાની કોશિશ કર્યાં કરું હું!

જાણે જલતી 'શમા' જેવો એ;પળે-પળે બુઝાવા જાય,
એને તોફાની વાયરાથી બચાવવાની કોશિશ કર્યાં કરું હું!

દીપ્તિ પટેલ 'શમા', ૯મી ઓક્ટોબર, ૨૦૦૭

1 ટિપ્પણી:

Ketan Shah કહ્યું...

પહેલા તો તમારા બ્લોગ ના Layout અને Presntation ની દાદ આપુ છુ.

મારી ઝંખનાના સ્વપ્ન સમો એ;ક્યાંક ખોવાઈ ના જાય,
એને પલકોમાં જ સજાવવાની કોશિશ કર્યાં કરું હું!


બહુ જ સરસ રચના છે. Keep it up.

કેતન શાહ