ગુરુવાર, 28 જૂન, 2012

સજન, મારા વહાલા સજન

જયારે ધરતી પ્યાસી હોય અને બુન્દ બુન્દ પાણી  માટે તરસતી હોય, ત્યારે વરસાદ નું એક  ટીપુ પડે કે જરાક વરસાદ પડે તો પણ છમ કરીને ઉડી જતુ હોય છે.......તેને તો આરઝુ છે ધોધમાર વરસાદની !

તરસતી ધરતી વિચારે કે ક્યારે ધોધમાર વરસાદ પડે અને ક્યારે મારી તરસ છિપાય! ક્યારે હું મેહુલિયાના પ્યાર માં પુરે પુરી તરબોળ થઈ જાઊં ! મેહુલિયો પાગલ ધરતી ને આશ્વાસન આપે કે જાન, હું સાંજે આવીશ. પાગલ ધરતી દુનિયાથી અલિપ્ત થઈને પોતાના પ્રિયતમની ઔર પણ પાગલતાથી રાહ જોવે છે - તેનાથી આટલો સમય પણ ધીરજ રહેતી નથી. તે એ જ ઈંતજારમાં હોય છે કે ક્યારે સાંજ પડે અને ક્યારે મારો મેહુલિયો મને વરસાદમાં - ઈશ્કમાં - તેની આશિકીમાં તરબોળ કરી દે.......ક્યારે હું મારા જાનમની બાહોમાં સમાઈ જાઊં - ક્યારે મારી યુગોની તરસ છિપાય - ક્યારે મારું સળગતું રોમે રોમ સજનના શિતળ સ્પર્શથી શાતા પામે - અને ક્યારે હું મારા પ્રિયતમની સર્વેસર્વા બની જાઊં !!!

સાંજ પડી જાય છે; પડી ચુકી છે, પણ આ શું? ધરતી તો હજુ એવી ને એવી - કોરી ધાકોર, વિહવળ આંખે સજનનો ઈંતજાર જ કરી રહી છે, તેને આશા છે કે તેનો નાથ જરુર આવશે - તેણે વચન આપ્યું છે, એમ થોડો ચુકી જશે? બેકરાર હૈયામાં આવતા લાખો નિરાશ વિચારો ને પ્યારની સાંકળથી બાંધેલા દરવાજાની અંદર આવવાની ઈજાજત નથી આપતી ! આ દરવાજાની અંદર પ્રવેશ કરવાનો તો ફક્ત પ્રિયતમને જ હક્ક છે! ધરતી હજુ રાહ જોયા કરે છે, હવે તો અંધારાનાં ઓળા પણ પ્રુથ્વી પર પથરાવા લાગ્યાં છે. પણ પ્યાર ને , આશાને, ઈંતજારને ક્યાં કશું રોકી શક્યું છે કે આ અંધારું રોકવાનું છે?

અરે - આ શું? મારો સજન આવી રહયો હોય એવાં એંધાણ વરતાય છે! લાવ, જરા મારું રુપ થોડું ઓર નિખારી લઊં!

 ઠંડો પવન વાઇ રહયો છે, સુસવાટા ફુંકાઇ રહયા છે. આકાશમાં વાદળો દોડાદોડી કરી રહયા છે. સજન મારો આવી રહયો છે અને તૈયારી બીજા બધાં શુ કામ કરતાં હશે? હશે, મારે એની શું ચિંતા કરવી? એ તો મને જ મળવા, મારી જ પ્યાસ બુઝાવવા આવી રહયો છે ને! પણ આ શું? પવન કેમ આટલો તેજ થઈ ગયો? અરે, આ બધું ઉડવા માંડ્યું? આ તો આંધી જેવું કંઈ લાગે છે? પવનનું તેજ તોફાન - તેને તો વાવાઝોડું કહેવાય ને? એ જ લાગે છે...આ આંધી તો મારા સજનને ક્યાંય દૂર ખેંચી જઈ રહી હોય, એમ લાગે છે. અરે કોઈ રોકો, પ્લીઝ કોઈ આ આંધી ને રોકો...મારા મેહુલિયા ને વરસવા દો અહીયા, હું એના વગર નહીં જીવી શકું, નહીં જીવી શકું, કદાપિ નહીં....ક્યારેય નહીં, હું એવી કલ્પના પણ નથી કરી શક્તી, તો જીવવાની તો વાત જ ક્યાં છે !

સજન, મારા વહાલા સજન, હું તારી પ્રિયતમા તારી રાહ જોઈ રહી છું અને જોયા કરીશ....ફક્ત આજે કે કાલે નહી, દિવસો, મહિનાઓ, વરસો સુધી નહીં, જનમો - જનમ સુધી, યુગ-યુગાંતર સુધી,  કલ્પ - કલ્પાંતર સુધી !!!!  તું આવીશ અને મને મળીશ - મને તારી પર પુરો વિશ્વાસ છે!

દીપ્તિ પટેલ 'શમા' - ૧૩ જુન, ૨૦૧૨, કેનેડા

ટિપ્પણીઓ નથી: