ગુરુવાર, 28 જૂન, 2012

૨૭-૦૬-૧૨.......વૃક્ષ અને વેલની કહાની...

અમુક દિવસો શું કામ જિંદગીમાં આવતા હશે? તે ના આવે, તો ના ચાલે?

કોઈ ભૂલ ને સામેવાળા ક્યારેક માફ કેમ નહિ કરી શકતા હોય? શું કોઈ ભૂલ એવી હોઈ શકે કે કોઈ તેને  માફ જ ના કરી શકે? લખલૂટ પ્યાર કરનારી વ્યક્તિ આપણને ના ગમતું કંઈ કહે કે કરે, તો શું આપણે તેને બિલકુલ માફ ના કરી શકીએ? હા, ક્યારેક એક ની એક ભૂલ પણ ફરી વાર થઇ જાય - ના ચાહવા છતાં થઇ જાય, કે કંઈક સારા માટે કંઈ પૂછ્યું હોય. આપણને ના જ ગમતું હોય,તો પણ તે લોહી ભીની આંખે માફી માંગે, અને તો ય આપણે માફ ના કરીએ? હા, કદાચ આંસુ આપણી આંખ સામે સરતા દેખાતા  હોય તો માફ કરી દઈએ, પણ સાત સાત સમંદર પાર ભલે ને એક આંસુ નો આખો દરિયો કોઈના હૃદયમાં ઉભરતો હોય, ભલે તે એ દરિયામાં ડૂબી રહી હોય, ભલે તે જાનુને પુકારી પુકારી ને કહી રહી હોય કે જાન, પ્લીઝ મને માફ કરી દે, આજે મને ડૂબતી બચાવી લે - હું ફરી ક્યારેય આવું નહિ કહું. છતાં તે તેને માફ ના કરી શકે? શું તે તેને ડૂબતી જોઈ શકશે ખરો ?  ભગવાન ના કરે, અને તેને જો આજે કંઈક થઇ જશે તો - એ એની  જાતને ક્યારેય માફ કરી શકશે ખરો?

હું માનું છું કે પ્યાર એક પવિત્ર બાગ છે, સજની એક નાજુક વેલ અને સજન એક મજબુત વૃક્ષ જેના પર વેલ ના જીવન-મરણ નો આધાર હોય છે. વૃક્ષ ને અઢેલીને નાજુક વેલ ધીરે ધીરે પાંગરે છે, સુવાસ આપે છે, તેની પર સુંદર બચ્ચારૂપી ફૂલો પણ ખીલે છે. આ ફૂલોના આગમનથી, તેમનો વંશ જોઈને અને તેમની મહેકથી તેમના  જીવનમાં આનંદની હેલી હિલ્લોળા લઇ રહી હોય  છે. વેલને પુરેપુરો અહેસાસ છે કે આ વૃક્ષ જ તેનું જીવન છે, જેવું વૃક્ષ તેને આપેલો સહારો હટાવશે કે તેને પોતાથી જરા પણ દુર કરશે, તો તેનું  જીવન ખતરામાં છે. હા, સાથે જ વૃક્ષની અપેક્ષાથી પણ વેલ પૂરી વાકેફ છે કે જે વિશ્વાસ તેણે વૃક્ષમાં મુક્યો છે તે મરતા દમ લાગી ના તૂટવો જોઈએ. વેલ તેને પોતાની પૂર્ણતાથી; પોતાની જિંદગીથી પણ વધારે ચાહતી હોવી જોઈએ.

હવે વેલે આવું ચાહ્યું અને  વૃક્ષને કહ્યું કે તું કદી પણ મારા સિવાય બીજી વેલ ને સહારો નહિ આપે ને? વૃક્ષે કહ્યું, "ના, મારામાં આટલો વિશ્વાસ રાખજે" અને થોડા દિવસો પછી વેલે વૃક્ષને પાછો આ જ સવાલ પૂછ્યો. વૃક્ષે ફરી પાછુ કહ્યું કે નહિ જાન, હું ફક્ત તને જ ચાહું છું અને તારો જ છું. વેલ પાછી  ખુશ! પણ હાય રે બદકિસ્મતી , થોડા દિવસો પછી ફરી વેલે વૃક્ષ ને આ જ સવાલ પૂછ્યો. હવે વૃક્ષ ખરેખર બહુ જ ગુસ્સે થઇ ગયું અને તેણે કહ્યું, "મારે તને કોઈ જવાબ આપવો નથી, મારે તને કોઈ સર્ટીફીકેટ આપવાની જરૂર નથી, તને મારા પર વિશ્વાસ જ નથી, પછી હું ગમે તે કહું, તું ફરી ને ફરી આ જ સવાલ પૂછ્યા કરીશ. હવે
જયારે તને મારી પર પૂરો વિશ્વાસ આવે ત્યારે જ તું મને વીંટવા આવજે, ત્યાં સુધી નહિ".

વેલને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે વૃક્ષની માફી માંગી. ઘણી વાર "સોરી" કહ્યું. પણ હવે વૃક્ષ પણ જીદ પર આવી ગયું છે. તે કહે છે કે હવે તારી "સોરી" નો કોઈ જ મતલબ નથી. વેલ હવે શું કરે? પોતે અસુરક્ષિત મહેસુસ કરતી હશે તો તેણે પૂછી લીધું. બરોબર છે વિશ્વાસ હોવો જ જોઈએ પણ હવે ભૂલ થઇ જ ગઈ તો શું કરવું ,કોને કહેવાય? તેની એટલી મોટી સજા તો ના જ હોઈ શકે ને?  વેલે વૃક્ષને કહ્યું પણ ખરું કે જાનુ, પ્લીઝ હવે હું ફરી ક્યારેય તને કંઈ નહિ પુછુ. આજનો દિવસ,અંતિમ વાર મને માફ કરી દે, તારી બાહોમાં ફરી સમાવી લે. તું મને તને વળગવા નહિ દે તો હું જીવી નહિ શકું. અને તું મને માફ ના કરે ત્યાં સુધી મને મોત પણ કબુલ નથી. વેલ વેદનાથી તરફડે છે, તેના દુખ અને રંજો ગમ નો પર નથી. તે પોતાની જાત ને પણ ધિક્કારે છે. સજને આટલો બધો પ્યાર કર્યો અને પોતે હાથે કરીને, પોતાની જ ભૂલ ને કારણે તેને  પોતાનાથી દુર જવા મજબૂર કર્યો ને? શું કામ તેણે ડહાપણ કરવાની જરૂર હતી.

તમને શું લાગે છે? તે પણ આ જ લાયક હતી - તે સજનના પ્રેમને નહિ, પણ નફરતને લાયક હતી? સજન તેને  સજા ફટકારે તે જ લાયક છે તે? કે અત્યારે સુધી તેણે સજન ને કરેલા લખલૂટ પ્રેમને જાણીને સાજને તેને માફ કરી દેવી જોઈએ? તેને પણ ખ્યાલ છે કે આ ઘટના ઘટ્યા પછી વૃક્ષ પણ બેચેન છે, તે પણ વેદનાથી તરફડે છે. તેને પણ સ્વાભાવિક રીતે જ એમ થાય છે કે તેના પ્યારમાં ક્યાં કંઈ કમી હતી કે વેલે તેને આ સવાલ પૂછવો જોઈએ? બરોબર છે, પણ હવે ભૂલ થઇ ગઈ, તો માફ કરી ના શકાય? શું વૃક્ષ પોતાની જીદ છોડી ના શકે - ફક્ત એક વાર?

અત્યાર સુધી સાથે મળીને લીધેલી પ્યારની કસમો એક જ ઝાટકે  થોડી ભૂલી જવાય?  પ્યારના બંધનનો ધાગો એટલો કાચો નથી હોતો કે પળમાં તૂટી જાય.  પ્યાર કર્યો છે, કોઈ રમત થોડી છે - કે અડધી રમતે ઉઠી જવાની છુટ મળે કોઈને? 

હવે તો ભગવાન જ જાણે, કે વૃક્ષ વેલને તેનું જીવન સમાપ્ત થાય, તે પહેલા માફ કરી દેશે કે નહિ. શું તે બંને પહેલા જેવું જીવન ફરી પાછુ જીવી શકશે કે નહિ? કેટલું હસતું - ખીલખીલતું તેમનું જીવન હતું? દિવસ-રાત બંને એક બીજાના પ્યારમાં રમ-માણ હતા. એક બીજા વગર રહી શકતા નહોતા.  એક રડે અને બીજાની આંખમાં આંસુ ટપકી જતું, એક હસે  અને બીજું ખીલી ઉઠતું. બને એક બીજાને જોઇને જીવતા હતા ! હવે જો વેલ ને કંઈ થશે કે વૃક્ષને કંઈ થશે તો તેમના બાળકો - તેમના ફૂલોનું શું થશે? બેમાંથી એક તેમને પહેલાની જેમ ઉછેરી શકશે ખરા? બાળકો ને તો માં અને બાપ બંનેની જરૂર હોય છે ને? "નાસમજ માં કરેલી ભૂલ" નું કેટલું મોટું અને કેવું વિપરીત પરિણામ આવી શકે છે. કાશ, વેલ માટે આજનો દિવસ જ ના ઉગ્યો હોત, કે આજે તે ચુપચાપ જ રહી હોત તો ..આજે તેણે થોડો સંયમ કેળવ્યો હોત તો...

અમુક દિવસો શું કામ જિંદગીમાં આવતા હશે? તે ના આવે, તો ના ચાલે? આ કાલ ચોઘડિયું તેના આજના દિવસમાં ના લખાયું હોત તો ના ચાલત? બંને કેટલા પ્રેમથી, કેટલા આનંદથી, કેટલા સુખથી
રહેતા હતા. ના જાણે કોની બુરી નજર લાગી ગઈ તેમની જિંદગીને !!! 

ચાલો, આપણે બધા પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે વૃક્ષ વેલ ને - અંતિમ વાર - માફ કરી દે (કહી દઈએ વેલને પણ - કે ખબરદાર, આજ પછી ક્યારેય તારા પ્રેમી પર, તારા પતિ પર અવિશ્વાસ કર્યો છે તો...).
તેમની જીવન નૌકા ડૂબતા ડૂબતા બચી જાય અને તેમનો સંસાર બાગ ફરી મહેકી ઉઠે. તેમનો પ્રેમ એટલો બધો વધે અને એવો અમર બની જાય કે પ્રેમીઓ પણ તેમની કસમ ખાતા થઇ જાય. ઈતિહાસના પાને
તેમનું નામ પણ શીરી-ફરહાદ, લૈલા-મજનુ, હીર-રાંઝા સાથે સુવર્ણ અક્ષરે કોતરાય...!!!

દીપ્તિ પટેલ "શમા", કેનેડા.
૨૭-૦૬-૧૨

2 ટિપ્પણીઓ:

Unknown કહ્યું...

Very well written. You have mastered the art of seamlessly weaving metaphors into a story! It was a pleasure to read.

jigna કહ્યું...

V nice ..Dipti..